રાજ્યમાં અગાઉ શાળાઓ, હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે બેંકોને નિશાન બનાવવામાં આવતાં સરકારી તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. અમદાવાદ, સુરત અને વડોદરા શહેરની જાણીતી બેંકોના સત્તાવાર ઈમેલ આઈડી પર અજાણ્યા શખ્સ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ચેતવણી આપતો મેઈલ મોકલવામાં આવ્યો હતો. ઈમેલની જાણ થતાં જ પોલીસ કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બેંક પરિસરોમાં સઘન તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ: બોબી અને મેટ્રોમાં બ્લાસ્ટનો ઉલ્લેખ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખાને ધમકીભર્યો ઈમેલ પ્રાપ્ત થયો હતો. આ ઈમેલમાં માત્ર બેંક જ નહીં, પરંતુ ૨૧ નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા મ્યુઝિક આર્ટિસ્ટ દિલજીત દોંસાઝના કોન્સર્ટ તેમજ અમદાવાદ મેટ્રો ટ્રેનમાં પણ ધમાકા કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

સુરત: ઘોડદોડ રોડ પર બેંક ઓફ બરોડામાં હડકંપ

સુરતના અત્યંત ધમધમતા અને પોશ ગણાતા ઘોડદોડ રોડ સ્થિત બેંક ઓફ બરોડાની બ્રાન્ચને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બેંક સંચાલકોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેના પગલે સુરત પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્કવોડની ટીમોએ સ્થળ પર પહોંચી સમગ્ર બિલ્ડિંગ કોર્ડન કરી લીધું હતું અને બેંક કર્મચારીઓ તેમજ ગ્રાહકોને સુરક્ષિત બહાર કાઢીને તપાસ આદરી હતી.

વડોદરા: રાવપુરા અને સયાજીગંજની બેંકો ખાલી કરાવાઈ

વડોદરા શહેરના રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયા અને સયાજીગંજ વિસ્તારના સુરજ પ્લાઝા બિલ્ડિંગમાં કાર્યરત બેંક ઓફ બરોડાની શાખાને ધમકીભર્યા મેઈલ મળતાં જ ગભરાટ ફેલાયો હતો. સયાજીગંજ પોલીસની ટીમે ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરીને બેંકમાંથી ગ્રાહકોની અવરજવર અટકાવી દીધી હતી અને બિલ્ડિંગ ખાલી કરાવીને ખૂણે-ખૂણાની ચકાસણી હાથ ધરી હતી.

સાયબર ક્રાઈમ એક્ટિવ: IP એડ્રેસ ટ્રેસ કરવાનો પ્રયાસ

અમદાવાદ, સુરત અને વડોદરા ત્રણેય શહેરોની સાયબર ક્રાઈમ સેલની ટીમો સક્રિય થઈ ગઈ છે અને ધમકીભર્યા ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યા છે તે જાણવા માટે આઈપી એડ્રેસ (IP Address) ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસે નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.