ભારતીય ક્રિકેટ ટીમનો આક્રમક બેટ્સમેન અને ફેન્સનો પ્રિય 'ફિનિશર' રિંકુ સિંહ ખૂબ જ ટૂંક સમયમાં પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે તેના લગ્નની તૈયારીઓ પૂર્ણ જોશમાં ચાલી રહી છે. આ હાઈપ્રોફાઈલ જોડી આગામી ૪ ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઊ ખાતે લગ્નગ્રંથિથી જોડાશે. રિંકુની જાન અલીગઢથી નીકળીને લખનઊ પહોંચશે, જેમાં પરિવારજનો અને અંગત મિત્રો સહિત આશરે ૫૦ થી ૬૦ જેટલા ખાસ મહેમાનો સામેલ થશે.
સાસુમાએ વહુ પ્રિયા માટે પસંદ કરી પીળા રંગની ખાસ સાડી
લગ્નની તારીખ નજીક આવતાં જ રિંકુ સિંહના પરિવારમાં ભારે ઉત્સાહનો માહોલ છે. રિંકુના માતા પોતાની ભાવિ પુત્રવધૂ પ્રિયા સરોજ માટે શાનદાર પીળા રંગની સાડી ખરીદી લાવ્યા છે. આ શોપિંગ દરમિયાન રિંકુના મોટા ભાભી અને બહેન નેહા પણ સાથે રહ્યા હતા. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યો અને બાળકો માટે પણ નવા કપડાંની ખરીદી આટોપી લેવામાં આવી છે.
ક્રિકેટ, બોલિવૂડ અને રાજકારણની મોટી હસ્તીઓનો જમાવડો થશે!
આ લગ્ન પ્રસંગમાં રમતગમતથી લઈને ગ્લેમર અને પોલિટિક્સ વર્લ્ડના દિગ્ગજો હાજરી આપે તેવી પ્રબળ શક્યતા છે. ક્રિકેટ જગતમાંથી વિરાટ કોહલી, રોહિત શર્મા, કોચ ગૌતમ ગંભીર અને BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા ઉપરાંત બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિતના અનેક વીઆઈપી મહેમાનોને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.
પરિવારમાં દુઃખદ ઘટનાને કારણે લગ્ન લંબાયા હતા
ઉલ્લેખનીય છે કે, રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ જૂન ૨૦૨૫માં લખનઊની 'ધ સેન્ટ્રમ' હોટેલમાં યોજાઈ હતી. તે સમયે ડિસેમ્બર ૨૦૨૫ કે ફેબ્રુઆરી ૨૦૨૬માં લગ્ન યોજવાની અટકળો હતી, પરંતુ રિંકુ શિડ્યુઅલમાં વ્યસ્ત હોવાથી અને ત્યારબાદ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ તેના પિતા ખાનચંદનું આકસ્મિક નિધન થતાં લગ્નનો કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો. હવે પિતાના અક્ષરધામ ગમન બાદ સમય વિત્યા પછી બંને પરિવારો ૪ ડિસેમ્બરે મંગળ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે.










Discussion
LIVELoading comments...