ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ખેલાડીઓની અદલાબદલી (ટ્રેડ વિન્ડો) ને લઈને ચાલી રહેલી મોટો ફેરફાર સામે આવ્યો છે. ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથેનો પોતાનો કરાર સમાપ્ત કરીને હવે ‘પંજાબ કિંગ્સ’ (PBKS) નો ભાગ બની ગયો છે. હાર્દિકના પંજાબની ટીમમાં સમાવેશ થતાં જ ટીમની કપ્તાની કોણ સંભાળશે તે મુદ્દે ક્રિકેટ વર્લ્ડમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે, હાર્દિકે પોતે જ આ તમામ ચર્ચાઓ પર આડકતરી રીતે વિરામ મૂકી દીધો છે.
‘શ્રેયસ મારો કૅપ્ટન, રિકી મારા કોચ’
પંજાબ કિંગ્સમાં જોડાવાની સત્તાવાર જાહેરાત બાદ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પંજાબી શૈલીમાં એક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, “સત શ્રી અકાલ! મારો કેપ્ટન શ્રેયસ છે અને મારા કોચ રિકી પોન્ટિંગ છે. હવે પંજાબ મારી નવી હોમ ટીમ છે અને હું સંપૂર્ણપણે આ ટીમ સાથે ઊભો છું.” આ નિવેદન સાથે જ હાર્દિકે સ્પષ્ટ કરી દીધું છે કે તે ટીમમાં માત્ર એક ખેલાડી તરીકે યોગદાન આપશે અને શ્રેયસ ઐયર જ પંજાબ કિંગ્સનું સુકાન સંભાળતો રહેશે.
મુંબઈમાં કેપ્ટન તરીકે ફ્લોપ રહ્યો હાર્દિક
ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ અગાઉ હાર્દિકે ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરી હતી, ત્યારે તેને રોહિત શર્માના સ્થાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ માટે હાર્દિકની કેપ્ટનશિપ બહુ સફળ રહી નહોતી. ૨૦૨૪ થી ૨૦૨૬ સુધીની ૩ સીઝનમાં મુંબઈ તેની આગેવાનીમાં ૩૯ માંથી ૨૪ મેચ હારી ગયું હતું અને માત્ર ૧૫ મેચમાં જ (૩૯ ટકા વિનિંગ રેશિયો) વિજય મેળવી શક્યું હતું.
₹૧૮ કરોડની ડીલ, અર્શદીપ મુંબઈ ઈન્ડિયન્સમાં
નાણાકીય પાસાંની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને પ્રતિ સીઝન ₹૧૬.૩૫ કરોડ ચૂકવતું હતું. જ્યારે પંજાબ કિંગ્સ સાથેની આ ડીલમાં હાર્દિકને ₹૧૮ કરોડ મળશે. બીજી તરફ, પંજાબનો સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હવે મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળશે, જેને પણ મુંબઈ દ્વારા ₹૧૮ કરોડની રકમ જ ચૂકવવામાં આવશે.










Discussion
LIVELoading comments...