મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં રાજ્ય સરકારની હિલચાલ શરૂ થતાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે. AIMIMના સુપ્રીમો અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકાર પર સીધો હુમલો બોલતા પ્રસ્તાવિત યુસીસીને ‘સમાન નાગરિક સંહિતા’ને બદલે ‘હિન્દુ સિવિલ કોડ’ ગણાવ્યો છે. તેમણે ગંભીર આરોપ મૂક્યો હતો કે સરકાર યુસીસીના બહાને બિનહિન્દુ સમુદાયો પર હિન્દુ કાયદાઓ લાગુ કરી રહી છે અને મુસ્લિમ સમાજની ધાર્મિક સ્વાયત્તતા તથા ઓળખને નિશાન બનાવી રહી છે.

સર્વે પ્રશ્નાવલી અને જસ્ટિસ ચવ્હાણના રાજીનામા મુદ્દે ઘેર્યા

મુંબઈમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ઓવૈસીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે જનતાનો અભિપ્રાય મેળવવા માટે જે પ્રશ્નાવલી બહાર પાડી છે, તે પરથી સ્પષ્ટ થાય છે કે નિર્ણય અગાઉથી જ લેવાઈ ચૂક્યો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સર્વેમાં બહુપત્નીત્વ અને કોર્ટ બહારના છૂટાછેડા પર સવાલો છે, પરંતુ હિન્દુ અવિભક્ત પરિવાર (HUF) ની ટેક્સ સિસ્ટમ અંગે કોઈ પ્રશ્ન કેમ નથી? આ ઉપરાંત, નિવૃત્ત જસ્ટિસ આર. સી. ચવ્હાણે કમિટીમાં લઘુમતી પ્રતિનિધિત્વના અભાવે રાજીનામું આપ્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

‘ઇસ્લામમાં લગ્ન એક કરાર છે, હિન્દુ મેરેજ એક્ટ થોપવો અયોગ્ય’

ઓવૈસીએ ઉમેર્યું કે ગુજરાત, ઉત્તરાખંડ અને આસામ જેવા ભાજપ શાસિત રાજ્યોની જેમ મહારાષ્ટ્ર પણ એ જ દિશામાં આગળ વધી રહ્યું છે. ઇસ્લામિક પરંપરાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઇસ્લામમાં લગ્ન એક સિવિલ કોન્ટ્રાક્ટ છે અને વારસા તથા છૂટાછેડા (‘ખુલા’) માટે પોતાની સ્વતંત્ર પ્રક્રિયા છે. જો દેશમાં પહેલેથી જ ‘સ્પેશિયલ મેરેજ એક્ટ’ અસ્તિત્વમાં હોય તો ભાજપ શાસિત રાજ્યો દ્વારા આવા કાયદા લાવવાની ઘેરી જરૂરિયાત શા માટે છે?

અખિલેશ યાદવ અને ‘બી ટીમ’ના આરોપો પર આકરા સવાલો

પત્રકાર પરિષદ દરમિયાન ઓવૈસીએ મુસ્લિમ સમાજના યુવાનો માટે રાજકીય ભાગીદારીની વકીલાત કરતા કહ્યું કે મુસ્લિમો માત્ર પરંપરાગત કામો પૂરતા સીમિત ન રહેતા મુખ્યમંત્રી પણ બની શકે છે. આ ઉપરાંત તેમણે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના અયોધ્યા પ્રવાસ અંગે સવાલો ઉઠાવ્યા હતા તેમજ AIMIM પર ભાજપની ‘બી ટીમ’ હોવાના લાગતા વારંવારના આરોપોને ફગાવી દીધા હતા.

CM દેવેન્દ્ર ફડણવીસનો પલટવાર: ‘આ બંધારણીય કટોકટી નથી, જવાબદારી છે’

ઓવૈસીના આરોપો સામે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સરકારની પહેલનો બચાવ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (Directive Principles) હેઠળ સમાન નાગરિક સંહિતા લાગુ કરવી એ એક બંધારણીય જવાબદારી છે. આ પ્રક્રિયા રાતોરાત ન થઈ શકે, પરંતુ વ્યાપક લોકશાહી ચર્ચા અને જનસહમતી બાદ જ યોગ્ય સમયે તેને આગળ ધપાવવામાં આવશે.