ભ્રમ થવો એ સાધુનો પરાજય છે.
રામચરિત માનસનાં નભમંડળમાં પણ સાત ઋષિ છે.
નિરંતર મૌન સાધના દ્વારા વિશ્વને ભજનનાં ઊંડાણમાં લઈ જાય એ મુનિ.
નિરંતર વાણીથી જગતને જાગૃત કરે એ ઋષિ છે.
રામચરિત માનસ ત્રિભુવનીય વૈશ્વિક ગ્રંથ છે.
ઋષી પંચમી,ગણેશોત્સવ અને પર્વાધિરાજ સંવત્સરીની મંગળ વેળાએ બાર વ્રજ વનોનાં અગ્રવન એવા આગ્રાથી બાપુએ આ પંક્તિઓનું ગાન કરતા ૯૮૪મી રામકથાનો આરંભ કર્યો.
એક બાર ત્રેતા જુગ માહીં,
સંભુ ગએ કુંભજ રિષિ પાહીં.
રિષિ પૂછી હરિભગતિ સુહાઇ,
કહી સંભુ અધિકારી પાઇ.
-બાલકાંડ ચૌપાઇ-૪૭.૧
જાસુ કથા કુંભજ રિષિ ગાઇ,
ભગતિ જાસુ મૈં મુનિહિ સુનાઇ.
-ઉત્તરકાંડ
બાપુએ કહ્યું કે લગભગ ૨૩ વરસ પછી,પરમાત્માની અસીમ કૃપાથી આ ઐતિહાસિક નગરીમાં આવ્યા. એ વખતે વિષય 'માનસ તેજમહલ' હતો.અહીં જગ પ્રસિદ્ધ તાજ મહાલ તેમજ એ વખતે આંતરિક તેજ મહેલની શોધની વાત થયેલી.
મનોરથીનાં રૂપમાં લલિતભાઈ અધિકારી છે,ક્યારેક કથા ભાગ્યને કારણે મળે છે,અધિકારી ન હોય તો પણ!-આ વર્ષોનો અનુભવ છે.લલિતભાઈની 'કરુણા નિધાન' સંસ્થા સાથે અહીંના ગુજરાતીઓ પણ જોડાયા.આ તમામ લોકોએ પ્રેમયજ્ઞમાં પોતાની આહૂતિ આપી તેઓને સાધુવાદ આપ્યો.
આગ્રાનું મૂળ નામ અગ્રવન,આ વૃંદાવન ભૂમિ, વ્રજમંડળ છે એ વાત કરી ગણેશ ઉત્સવ,સંવત્સરી સાથે ઋષિ પંચમીનો યોગ.ઋષિઓનું સ્મરણ અને મુનિઓની વંદના કરવાના દિવસો છે ત્યારે સાહજિક વિષય 'માનસ ઋષિપંચમી' પસંદ થયો.
ઋષિ શબ્દ તુલનામાં ૬૦-૬૫ વખત,પણ ઓછો, આવ્યો છે.મુનિ શબ્દ ખૂબ જ વધારે પ્રમાણમાં તુલસીજીએ ઉઠાવેલો છે એની પાછળના રહસ્યો પણ જાણીશું.
આખું રામચરિતમાનસ ઋષિ-મુનિઓથી ભરેલું છે. સાધુઓ પાસેથી જે સાંભળ્યું છે એ આપને સંભળાવીએ છીએ.શંકર પણ કહે છે મેં સાધુ પાસેથી સાંભળ્યું!તો કયા સાધુ પાસેથી સાંભળ્યું હશે?કાગભુશુંડી અને કુંભજ તો છે જ.પણ અંદરથી જવાબ મળે છે શંકર ભગવાનને બ્રહ્માજીએ સાધુ કહ્યા છે,એ પોતાના આંતરિક સાધુતાની પ્રેરણાથી સંભળાવે છે.
આકાશનાં-નભ મંડળમાં સાત ઋષિઓ-સપ્તર્ષિ અને આઠમો અરુંધતિનો તારો છે.આપણા રામચરિત માનસનાં નભમંડળમાં પણ સાત ઋષિ છે.જેમાં વાલ્મિકી,વશીષ્ઠ મુનિ,વિશ્વામિત્ર,યાજ્ઞવલ્ક્ય,મહર્ષિ ભારદ્વાજ,કુંભજ(અગત્ય) અને મહર્ષિ અત્રિ.
પહેલા તો મનમાં એ વસ્તુ દ્રઢ હોવી જોઈએ કે માનસ કોઈ ચોપડી નથી,એમાં માત્ર રઘુકુળની વાર્તા નથી,કેવળ શાસ્ત્ર કે માત્ર ધર્મગ્રંથ નથી.રામચરિત માનસ ત્રિભુવનીય વૈશ્વિક ગ્રંથ છે.તેથી એને જીવથી પણ વધારે સંભાળો!દરેક પંક્તિની પાછળ રહસ્ય છુપાયેલું હોય છે.જ્યારે પણ માનસની કોઈપણ પંક્તિ આપ ગાઓ કે સાંભળો,પૂરા ભાવથી ગાજો, તો આપની આસપાસ જ એ દેવતા કે જેનાં સંદર્ભથી ગાતા હશો એ આપની આસપાસ ઘૂમતા રહેશે.આ મારો ગાઢ અનુભવ છે.
નિરંતર મૌન સાધના દ્વારા વિશ્વને ભજનનાં ઊંડાણમાં લઈ જાય એ મુનિ,નિરંતર વાણીથી જગતને જાગૃત કરે એ ઋષિ છે.ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું એટલો વિવેક જરૂરી છે.
સુંદરકાંડનાં પ્રસંગમાં ઇન્દ્રજીત દ્વારા લક્ષ્મણ પરાજિત થયા,ભરતજી ફણા વગરનું બાણ મારે છે ત્યારે હનુમાન પરાજીત થયા છે અને ભરતજી પરાજિત થયા છે.
સાધુની પરિભાષા એ છે જેને ક્યારેય,કોઈપણ સંદેહ સંશય,વહેમ તો ન જ હોય.ક્યારેય ભ્રમ પણ ન હોય ભ્રમ થવો એ સાધુનો પરાજય છે.
ગ્રંથ માહાત્મ્ય,પંચદેવોની વંદના,ગુરવંદનાનું ગાન કરી ક્રમમાં વંદનાઓ બાદ હનુમંત વંદનાનું ગાન કરી કથા વિરામ અપાયો.
કથા-વિશેષ:
વર્તમાન યોગી સરકાર જેને ફરીથી અગ્રવન નામ આપવા જઇ રહી છે એ આગ્રાનો રોચક ઇતિહાસ
મોરારીબાપુ દ્વારા આગ્રામાં ૬-સપ્ટેમ્બર ૨૦૦૩માં 'માનસ તેજ મહલ' શિર્ષક નીચે આગ્રામાં કથાગાન થયેલું-જે વ્યાસપીઠની ૬૧૨મી રામકથા હતી.
આગ્રા-અગ્રવન પ્રાચિન વ્રજક્ષેત્રનો હિસ્સો હતો.
પૌરાણિક,આધ્યાત્મિક,ઐતિહાસિક અને ધાર્મિક રીતે જોડાયેલી વાત મુજબ શ્રીકૃષ્ણનાં જન્મ સાથે જોડાયેલા શૂરસેન વંશની એક ચોકી અહીં હતી.
વ્રજચોર્યાસીનાં ૧૨ વનમાંથી એક અગ્રવન અહીં હતું એવું માનવામાં આવે છે.
પૌરાણિક કથા અનુસાર ભગવાન શીવે બાળકૃષ્ણનાં અહીં દર્શન કર્યા હતા.અહીં 'મન:કામેશ્વર મંદિર' સાથે શિવ-કૃષ્ણ ભક્તિનો સેતુ જોડાયેલો છે.
આગ્રાનું પ્રાચીન નામ અગ્રવન-અગ્રવાન છે એ માટે ત્રણ કથાઓ મળે છે:
૧-પૌરાણિક કથા:મહાભારતમાં આગ્રાનો ઉલ્લેખ અગ્રવન નામ સાથે મળે છે.અહીં કંસનું બંદીખાનું (જેલ)હતું.
મત્સ્ય પુરાણ અનુસાર વ્રજમાં ૯૧-વન હતા,જેમાંથી અગ્રવન ૮૪મું હતું.
અન્ય ગ્રંથોમાં એ ૧૩૭-વન બતાવેલા છે.
આજે યુપી સરકાર સુપ્રીમ કોર્ટનાં નિર્દેશ પર પૌરાણિક વનોને ફરીથી જીવંત કરવાનો ૧૦-વર્ષનો માસ્ટર પ્લાન બનાવી રહી છે.
કહેવાય છે કે આર્યો ભારતમાં આવ્યા,એમણે પાંચ જગ્યાએ વસવાટ કર્યો એમાંથી એક આગ્રા હતું.જેને આર્યગૃહ પણ કહેતા હતા..આર્યગૃહ-અગ્રવનથી આગ્રાના નામ પડ્યું.
૨-ઇતિહાસકારોનાં ત્રણ મત છે:
અ-અગર/મીઠું:આગ્રામાં ખારી માટીમાંથી મીઠું-નમક બનાવવાનું કામ થતું.અગરનો મતલબ જ મીઠાનું મેદાન.આજે પણ આગ્રામાં 'નમક કી મંડી' નામનું બજાર-જે મોગલકાળથી છે.
બ-ઋષિ અંગિરા:કહેવાય છે કે અહીં ઋષિ અંગિરાનો આશ્રમ હતો એટલે આ ક્ષેત્રને અંગિરા ક્ષેત્ર-જે અપભ્રંસ થતાં આગ્રા થયુ.
ક-આગે વાલા:સિકંદર લોદી જ્યારે દિલ્હીથી ગ્વાલિયર જઈ રહ્યો હતો.યમુનાનાં રસ્તે પહોંચી ઔર આગે રાહ,ઓર આગે રાહ-કહેતા આગ્રા નામ પડ્યું.
૩-સાચો ઇતિહાસ શું છે:હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ પ્રાચિનકાળમાં આગ્રાનું નામ અગ્રવન હતું પણ આધુનિક ઇતિહાસમાં આનો કોઈ મજબૂત પુરાવો નથી.
ડો.ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી-આગ્રાનાં ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર સુગમ આનંદે કહેલું કે ઐતિહાસિક રેકોર્ડમાં આગ્રાને અગ્રવન કહેવાનું કોઈ પ્રમાણ મળતું નથી.
મોગલકાળમાં અકબરે એને અકબરાબાદ નામ આપ્યું,પણ અકબરનાં મૃત્યુ પછી ફરીથી એ આગ્રા થયું.
આમ ધાર્મિક ગ્રંથોમાં આગ્રા,અગ્રવન,વ્રજનું મુખ્ય પવિત્ર વન,પણ સરકારી ઇતિહાસનાં ગ્રંથોમાં આગ્રા નામ ૧૦૦૦ વરસ જૂનું માનવામાં આવે છે.









Discussion
LIVELoading comments...